Add parallel Print Page Options

મંદિરના નાશની આગાહી

(માર્ક 13:1-31; લૂ. 21:5-33)

24 ઈસુએ મંદિર છોડયું અને ચાલતો હતો, ત્યારે શિષ્યો તેની પાસે આવ્યા. તેઓ તેને મંદિર બતાવવા લાગ્યા. ઈસુએ કહ્યું, “તમે આ બધું જુઓ છો? હું તમને સત્ય કહું છું, આ બધું તોડી પાડવામાં આવશે.એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેવામા આવશે નહિ. અને એક એક પથ્થરને જમીનદોસ્ત કરવામાં આવશે.”

પછી ઈસુ જૈતૂન પર્વત પર બેઠો હતો ત્યારે શિષ્યો તેની સાથે એકાંત માટે આવ્યા અને પૂછયું એ બધું ક્યારે બનશે? અને “અમને કહે કે તારા આગમનની અને જગતના અંતની નિશાનીઓ શું હશે?”

ઈસુએ કહ્યું, “સાવધાન રહો! તમને કોઈ ગેરમાર્ગે ન દોરે. ઘણા લોકો આવશે અને મારા નામનો ઉપયોગ કરશે અને કહેશે, ‘હું જ ખ્રિસ્ત છું.’ અને તેઓ ઘણા લોકોને છેતરશે. પણ તમે લડાઈઓ વિષે અને લડાઈઓની અફવાઓ વિષે સાંભળશો ત્યારે તમે ગભરાશો નહિ. એ બધું જ અંત પહેલા બનવાનું છે અને ભબિષ્યનો અંત હજી બાકી છે. રાષ્ટ્ર બીજા રાષ્ટ્રોની સામે અને રાજ્યો બીજા રાજ્યોની વિરૂદ્ધ ઊઠશે. અને એક સમય એવો આવશે કે લોકોને ખાવા માટે ખોરાક પણ નહિ હોય અને જુદા જુદા વિસ્તારોમાં ધરતીકંપ થશે. પણ એ બધાં તો દુ:ખોનો આરંભ જ છે.

“આ સમયે તમને શિક્ષા માટે સુપ્રત કરવામાં આવશે અને તમને મારી નાંખશે કારણ કે તમે મારા શિષ્યો છો. બધા જ રાષ્ટ્રો તમારો તિરસ્કાર કરશે. 10 આ સમયે ઘણા લોકોનો વિશ્વાસ ડગી જશે. એકબીજાની સામે થઈ જશે અને એકબીજાનો તિરસ્કાર કરશે. 11 અનેક જૂઠા પ્રબોધકો નીકળી પડશે અને તેઓ ઘણાને આડે માર્ગે દોરી જશે. 12 અનિષ્ટ સર્વત્ર પ્રસરશે. પરિણામે ઘણાનો પ્રેમ ઠંડો પડી જશે. 13 પરંતુ જે કોઈ અંત સુધી ટકશે તે જ તારણ પામશે. 14 દેવના રાજ્યની સુવાર્તા આખા વિશ્વમાં બધી જ જાતિના લોકોને સંભળાવવામાં આવશે. ત્યારે અંત આવશે.

15 “જેના વિષે દાનિયેલ પ્રબોધકે કહેલું છે કે, ‘એ ભયાનક વિનાશકારી વસ્તુને’ તમે પવિત્ર જગ્યામાં (મંદિર) ઊભેલી જુઓ.” (વાંચક તેનો અર્થ સમજી લે) 16 “ત્યારે જેઓ યહૂદિયામાં રહે છે તેઓને પહાડો તરફ ભાગી જવું પડશે. 17 જેઓ ઘરના છાપરાં પર હોય તેઓએ ઘરમાં સરસામાન લેવા જવું નહિ. 18 જેઓ ખેતરોમાં હોય તેમણે પોતાના કપડાં લેવા પાછા ઘરે જવું નહિ.

19 “એ દિવસોમાં જે ગર્ભવતી સ્ત્રીઓ હશે, અને જેને ધાવણાં બાળકો હશે તેમને માટે દુ:ખદાયક દિવસ હશે. 20 પ્રાર્થના કરો કે તમારે શિયાળાનાં દિવસોમાં કે વિશ્રામવારે ભાગવું ના પડે. 21 એ દિવસોમાં એવી મોટી આપત્તિ આવશે કે સૃષ્ટિ રચી ત્યારથી અત્યાર સુધી કદી આવી નથી. અને ભવિષ્યમાં એવી આપત્તિ આવશે નહિ.

22 “આ ભયંકર આપત્તિના દિવસો લોકોને ખાતર ઓછા કરવામાં આવશે. જો તેમ ન થયું હોત તો કોઈ માણસ બચી શકત નહિ. પરંતુ દેવના પસંદ કરાયેલા માણસો માટે જ આ દિવસો ઘટાડવામાં આવશે.

23 “ત્યારે તમને જો કોઈ કહે કે જુઓ, અહીં ‘ખ્રિસ્ત’ છે અથવા તે અહીં છે તો તેનો વિશ્વાસ કરશો નહિ. 24 કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊભા થશે. અને એવા અદભૂત ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરી બતાવશે કે જો બની શકે તો દેવના પસંદ કરેલા લોકોને પણ તેઓ ભુલાવશે. 25 જુઓ, આ વાત તમને અગાઉથી બાતાવું છું માટે સાવધ રહેજો.

Read full chapter