Add parallel Print Page Options

ઈસુ અધિકારીના નોકરને સાજો કરે છે

(લૂ. 7:1-10; યોહ. 4:43-54)

ઈસુ કફર-નહૂમ આવ્યો, ઈસુ શહેરમાં પ્રવેશ્યો કે તરત જ એક લશ્કરી અધિકારી, તેની પાસે આવ્યો અને મદદ માટે વિનંતી કરી. લશ્કરી અધિકારીએ કહ્યું કે, “હે પ્રભુ, મારો નોકર ખૂબજ બિમાર છે, તે પથારીવશ છે અને પક્ષઘાતી છે.”

ઈસુએ લશ્કરી અધિકારીને કહ્યું કે, “હું જઈશ અને તેને સાજો કરીશ.”

લશ્કરી અધિકારીએ કહ્યું કે, “હે પ્રભુ, તું મારા ઘરે આવે એવો હું યોગ્ય માણસ નથી. જો તું કેવળ શબ્દ કહે તો મારો નોકર સાજો થઈ જશે. હું મારા અધિકારીઓને આધીન છું. મારા હાથ નીચેના સૈનિકો મારી સત્તાને આધીન છે. એકને હું કહું છું કે ‘જા’ તો તે જાય છે. બીજાને કહું છું કે, ‘આવ’, તો તે આવે છે અને મારા નોકરને કહું છું કે, ‘આ કર’ તે તે તરત જ મારી આજ્ઞા પાળે છે. હું જાણુ છું કે આ કરવાની સત્તા તારી પાસે છે.”

10 ઈસુ આ સાંભળી ખૂબજ નવાઈ પામ્યો અને તેની સાથે આવતા લોકોને કહ્યું કે, “હું તમને સત્ય કહું છું, મેં ઈસ્રાએલમાં પણ કદી કોઈ વ્યક્તિમાં આવો વિશ્વાસ જોયો નથી. 11 હું તમને કહું છું કે પૂર્વ અને પશ્ચિમમાંથી ઘણા લોકો આવશે અને આકાશના રાજ્યમાં ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબની સાથે બેસશે. 12 અને જેમના માટે આકાશી રાજ્ય તૈયાર કરવામાં આવેલું છે, તેમને બહારના અંધકારમાં ફેંકી દેવાશે. તેઓ ત્યાં રૂદન કરશે પીડાથી દાંત કચકચાવશે.”

13 પછી ઈસુએ લશ્કરી અધિકારીને કહ્યું કે, “ઘરે જા અને તારો નોકર તેં જે રીતે વિશ્વાસ કર્યો છે તે રીતે તે સાજો થઈ જશે.” અને બરાબર તે જ સમયે તેનો નોકર સાજો થઈ ગયો.

Read full chapter